મંગળવાર, 23 એપ્રિલ, 2019

એક છોકરીના કારણે જુદા થયેલા જિગરી મિત્રો હનુમાનજીથી એક થયાં


અમદાવાદમાં પાલડી ખાતે આવેલી નરસિંહ ભગત છાત્રાલયની પાછળના ભાગે હનુમાનજીનું મંદિર બન્યું હતું, ત્યાં દર હનુમાન જયંતિએ ભવ્ય ભંડારાનું આયોજન થાય. એટલે એ દિવસે હોસ્ટેલના મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં સાંજનું ફિસ્ટ લેતા.
હાથમાં જમવાની પ્લેટ લઈને મેં લાઈનમાંથી ઊભા ઊભા જ કવિ મિત્ર ઉમેશને ફોન કર્યો. કવિ જમવા આવી જાઓ અહીં હનુમાન જયંતિ નિમિત્તે હોસ્ટેલની પાછળ વાળા મંદિરે ભંડારો છે. 
ના યાર મેં તો જમી લીધું ક્યારનું. ચાલવા નીકળેલા કવિએ ના કહી.
કવિનો લાડુપ્રેમ જાણતો હોવાથી મેં આગ્રહ કરતા કહ્યું, કવિ મસ્તમજાના લાડુ છે. તમને તો મોજ પડી જશે.
ઘર દૂર હોવાથી તેમણે આવવાનું ટાળ્યું. મારે હનુમાન જયંતિનો ઉપવાસ હોવાથી લાડુના પ્રસાદનો પેટભરી આનંદ લીધો. જમીને હોસ્ટેલ પર આવ્યો ત્યારે ક્લાસના ઘણાબધા મિત્રોના કોલ્સ આવવા લાગ્યા. એક મિત્ર સાથે વાત કર્યા પછી મને આટલા બધા કોલ્સ આવવાનું કારણ સમજતા વાર ન લાગી. ઉમેશ કવિએ મારા ક્લાસના મિત્રોને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા મિત્ર જેઠાની હોસ્ટેલમાં હડતાળ છે  તેથી તે મંદિરમાં જમવા જાય છે. મારી નબળી આર્થિક પરિસ્થિતી બધા મિત્રો જાણતા હતા. વોટ્સ એપનો જન્મ હજુ થયો નહોતો પણ ટેક્સમેસેજ ક્લાસમાં એવો વાઈરલ થયો કે ધડાધડ બધાનાં કોલ્સ આવવા લાગ્યા. આમાં એક કોલ જતીનનો પણ હતો.તે વારંવાર આવતો હતો, અમારી વચ્ચે અબોલા હોવાથી હું એને ઈગ્નોર કરતો હતો. જો કે અબોલા મારી તરફથી જ હતા. તેણે તો ઘણીવાર પ્રયત્ન કર્યા હતા પણ હું અક્કડ રહ્યો હતો. એક અણબનાવે અમારી વચ્ચે અબોલા પેદા કર્યા હતા.
મારી, જતીન અને હરીશની ફ્રેન્ડશીપ આખા ક્લાસમાં અવ્વલ નંબરની હતી. લોકોને ઈર્ષા આવે એવી અમારી મિત્રતા હતી. જતીનની ગર્લફ્રેન્ડ સાથે પણ અમારી એટલી જ ઘનિષ્ટતાભરી મિત્રતા હતી. એક વાર જતીન અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે કોઈ  બાબતે તકરાર ચાલતી હતી તેથી હું અને હરીશ ત્યાંથી નીકળી ગયા. એમની વચ્ચે અવારનવાર આવી તકરાર ચાલતી રહેતી. અમે કોલેજ બહાર નિકળ્યા એટલામાં જ એની ગર્લફ્રેન્ડે મારા પર કોલ કર્યો
આને સમજાવ કે કાલે રાત્રે હું કોની સાથે વાત કરતી હતી.
 મેં મજાક કરી કહી દે કે મારા નવા બોયફ્રેન્ડ સાથે ગઈ રાત્રે તે મારી સાથે વાત કરતી હતી તેથી એનો ફોન બીઝી હતો, જેને લઈને જતીન ગુસ્સે થયો હતો અને શંકા કરતો હતો.
મજાકનો ટાઈમ નથી, સાચું કહે આને કે ગઈ રાત્રે હું તારી સાથે જ વાત કરતી હતી. મને લાગ્યું કે મામલો વધુ બગડશે એટલે મેં જતીન જોડે વાત કરાવવા કહ્યું. તેણે મારી સાથે પણ ગુસ્સામાં વાત ન કરી ને ફોન ફેંકી દીધો.હું ને હરીશ પાછા કોલેજ ગયા. જોયું તો પેલી તુટેલો ફોન હાથમાં લઈને રડતી હતી. મેં જતીનને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે ગઈ રાતે મારી સાથે જ વાત કરતી હતી. એની સાથે હું અને હરીશ ઘણી છુટથી મજાક કરતા હતા અને એ જતીન પણ સારી રીતે જાણતો હતો ને એને વાંધો પણ નહોતો. પણ આજે તેનું વર્તન બીલકુલ અલગ હતું. તેણે મારી સાથે પણ ગુસ્સાથી વહેવાર કર્યો. મને આ વાતથી ઘણુ લાગી આવ્યું. મેં ત્યારથી જ જતીન અને તેની ગર્લફ્રેન્ડ સાથે બોલવાનું બંધ કરી દીધું. એ વાતને આજે બે-ત્રણ મહિના થઈ ગયા હતા.
મેં તેનો કોલ ના રીસીવ કર્યો એટલે તેણે તેનાં પપ્પાના નંબર પરથી કોલ કર્યો. આખરે મેં ફોન રીસીવ કર્યો. તે સામેથી ધડાધડ ગાળીઓ વરસાતા બોલ્યો, .....તું મને આટલો બધો હલકો સમજ્યો છે કે આવી પરિસ્થિતિમાં પણ જણાવતો નથી. મારું ઘર તારું છે ને તું મંદિરમાં ખાવા જાય છે. તારા ચોપડા-કપડાં પેક કર  હું હાલમાં જ તને લેવા માટે આવું છું. હવે હોસ્ટેલમાં નથી રહેવાનું મારે ઘરે રહી ને જ ભણીશું.
મે તેને ઉમેશ કવિએ કરેલી મજાકની ઘટના સમજાવીને હોસ્ટેલ આવતા રોક્યો. છતા તે માનતો નહોતો એટલે મેં તેને હરીશ સાથે વાત કરીને ખાત્રી કરી લેવા જણાવ્યું. બીજે દિવસે જ્યારે હું કોલેજ ગયો ત્યારે એક છોકરી સહિત ઘણાં મિત્રો મારા માટે ટિફિન લઈને આવ્યા હતાં. મેં અને જતીને ભગવાન હનુમાનજીનો આભાર માન્યો. બે જિગરી મિત્રોનાં અબોલા તોડાવવા બદલ.

શુક્રવાર, 12 એપ્રિલ, 2019

રાહુલ પુનિયા-ઝગમગતો સિતારો ખરી પડ્યો


    નવોદય વિદ્યાલયમાં નોન-બોર્ડમી પરીક્ષાઓ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જાય છે. ત્યાર બાદ એપ્રિલથી નવા વર્ષનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જાય છે. નોન બોર્ડના વર્ગના પરિણામો માર્ચના છેલ્લા દિવસે એસેમ્બલીમાં (પ્રાર્થનાસભા-જેમાં રાષ્ટ્રગાન થી શરૂ થાય છે અને અંત રાષ્ટ્રગીતથી થાય છે. જેમાં પ્રતિજ્ઞાપત્ર, સુવિચાર, સમાચારવાંચન, પ્રશ્નોતરી કાર્યક્રમ અને સમૂહગાન થાય છે.) દરેક વર્ગના ટોપ-થ્રી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થાય છે.

નવોદય  વિદ્યાલય, સૂરતગઢ, જિ-ગંગાનગર-(રાજસ્થાન) એ પરંપરા આજે દસેક દિવસ મોડી નિભાવી રહી હતી. વાઈસ પ્રિન્સીપાલ દરેક વિદ્યાર્થીઓના નામ જાહેર કરતા હતા અને આચાર્ય ગીતા મિશ્રા  વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે આશીર્વાદ અને નાનકડી ભેટ આપી રહ્યા હતા. અગાઉના ધોરણના પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે 7(બી)નો ક્રમ હતો. ત્રીજા અને બીજા ક્રમાંકના વિદ્યાર્થીઓને ઈનામ અને આશીર્વાદ અપાઈ ગયા બાદ પૂરી એસેમ્બલીમાં અજંપાભરી ગમગીની છવાઈ ગઈ. થોડી ક્ષણો બાદ આખરે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ચોક્કસ ખાત્રી હતી એ નામ જાહેર થયું. પ્રથમ ક્રમાંકે રાહુલ પુનિયા. નામ સાંભળતા જ ઘણાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખમાં આંસુ આવી ગયા. વિદ્યાર્થીઓની તાળીઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું, પણ એ ઈનામનો હક્કદાર ના ઉઠ્યો.


       

(મૃતક વિદ્યાર્થી - રાહુલ પુનિયા)



   રાહુલ પુનિયા માત્ર 7(બી)નો જ નહીં પણ આખી સ્કૂલનો હોંશિયાર અને શાંત વિદ્યાર્થી હતો.  હોંશિયાર કરતા પણ તેની સિન્સિયારીટીના કારણે શિક્ષકોમાં પ્રિય હતો. શિક્ષક વર્ગમાં હોય કે ના હોય  એ હંમેશા શાંત બેસી રહેતો અને કંઈક વાંચ્યા કરતો. બે વર્ષમાં તેની કોઈ ફરિયાદ આવી નથી. પરંતુ તારીખ 05 એપ્રિલ, 2019ના રોજ તેની આખરી ફરિયાદ મળી. તેને તરતા ન આવડતું હોવા છતા તે તેની મોટા પાંચ વર્ષના ભાઈને પાણીમાંથી ડૂબતા બચાવવા પાણીમાં કૂદી પડ્યો.
        વાર્ષિક પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ રાહુલ સ્કૂલમાંથી બધા બાળકોની જેમ ઘરે ગયો હતો. ઘરે ગયા બાદ તેના મોટાભાઈ વિશાલ સાથે ખેતરમાં સિંચાઈ માટે બનાવેલી પાકી ખેતતલાવડીમાં ડૂબી ગયો. વિશાલ પણ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો અને તેણે ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા આપી હતી. બંને ભાઈઓ  ખેતરમાં નવી બનાવેલી ખેતતલાવડીમાં પાણી છાંટવા માટે ગયા હતા. જ્યાં વિશાલનો પગ લસપી પડતાં તે પાણીથી ભરેલી ખેતતલાવડીમાં ડૂબવા લાગ્યો. એને ડૂબતો જોઈને ખુદને તરતા ન આવડતું હોવા છતા રાહુલ પણ કૂદી પડ્યો અને બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયાં.
      રાહુલના કાકાએ શોકમય સ્વરે જણાવ્યું કે રાહુલ ગયા વર્ષે મને તેનું પરિણામ બતાવ્યું જેમાં તે સેકન્ડ આવ્યો હતો. મેં તેને કીધું હતું કે તું પરિણામ મને ત્યારે જ બતાવજે જ્યારે તું ક્લાસમાં ફર્સ્ટ આવ.  અમે જણાવ્યું કે રાહુલ ક્લાસમાં ફર્સ્ટ જ આવ્યો છે, ત્યારે ખૂણામાં બેઠેલા તેનાં પિતાની રડી-રડીને સુકાઈ ગયેલી આંખોમાં ફરીથી આંસુનો દરિયો ઉમટી પડ્યો.


  (જેમાં બંને ભાઈઓ ડૂબ્યા તે ખેતતલાવડી)