મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

‘મિલાપ કાફેનો લેફ્ટ કોર્નર’


પ્રોજેક્ટ પૂરો કરીને મોબાઈલ જોયો તો 10 મિસ્ડકોલ અને એક મેસેજ હતો.

કોલ મી. અરજન્ટ

મેં કોલબેક કર્યો, સામેથી અલ્પવિરામ, પૂર્ણવિરામ વિનાના કેટલાય પ્રશ્નોનું એક સમાટું ઝાપટું એના મધુર પણ ગુસ્સાયેલાં અવાજમાં વરસી પડ્યું.

 ક્યાં છે?’

શું કરે છે? ‘

ખબર નથી પડતી?’

કેટલા ફોન કર્યા? ’

હવે કંઈ બોલીશ કે મોં માં મગ ભર્યા છે?’

એણે જેટલી ઝડપથી પ્રશ્નોની ઝડી વરસાવી મેં એટલી જ ધીરજથી જવાબ આપ્યો.
હલ્લો! પણ તું વારો આવવા દે તો બોલું ને? બોલ શું હતું?’
પૂરપાટ જતી ગાડીને બ્રેક વાગી, થોડી ધીમી પડી ને બોલી...

સારું બોલ કાલે શું કરે છે? કાલે દસ વાગે મિલાપ કાફેમાં મળીએ છીએ. ઓ.કે

મારા જવાબની રાહ જોયા વિના જ એણે ઓ.કે કરી દીધું. હું તો વિચારતો જ રહી ગયો. જેને મળવા માટે ઘણા ઉધામા કર્યા પણ નહોતી માની એણે અચાનક જ કેમ સામેથી મળવાનું કહ્યું. આઠેક મહિના થઈ ગયા હતા અમારે ફોન પર મળે. એકબીજાને રૂબરૂ જોયા પણ નથી. બસ મોબાઈલ પર જ એવી આત્મીયતા બંધાઈ ગઈ છે કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. કેવી હશે? જેટલી બોલકણી છે એટલી સુંદર પણ હશે? એકસાથે મનમાં ઉઠેલા વિચારોના વાવાઝોડાને અટકાવતા ફરી એ બોલવા લાગી.

એય ક્યાં ખોવાઈ ગયો?’

કંઈ નહીં. પણ આપણે એકબીજાને ઓળખીશું કેવી રીતે?’ મેં મારી મૂંઝવણ રજૂ કરી.
મારે જરૂર નથી તને ઓળખવાની. હું તને પહેલી નજરે જ ઓળખી જઈશ. છતા તારી સગવડ માટે હું તને ગમતા પિન્ક કલરનો ડ્રેસ પહેરીશ. તેણે ઓળખ પરેડની વિધિ સમજાવતા કહ્યું.

ઓ.કે. તો હું પણ તને ગમતા બલ્યુ કલરનું ટીશર્ટ પહેરીશ.

મારા મનનાં કેટલાય સવાલો અધુરા મુકીને એણે ફોન મુકી દીધો. ‘સારું બાય. મારે કાલની તૈયારી કરવાની છે. કાલે રૂબરૂ મળીને ખૂબ વાતો કરીએ.