મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

‘મિલાપ કાફેનો લેફ્ટ કોર્નર’


પ્રોજેક્ટ પૂરો કરીને મોબાઈલ જોયો તો 10 મિસ્ડકોલ અને એક મેસેજ હતો.

કોલ મી. અરજન્ટ

મેં કોલબેક કર્યો, સામેથી અલ્પવિરામ, પૂર્ણવિરામ વિનાના કેટલાય પ્રશ્નોનું એક સમાટું ઝાપટું એના મધુર પણ ગુસ્સાયેલાં અવાજમાં વરસી પડ્યું.

 ક્યાં છે?’

શું કરે છે? ‘

ખબર નથી પડતી?’

કેટલા ફોન કર્યા? ’

હવે કંઈ બોલીશ કે મોં માં મગ ભર્યા છે?’

એણે જેટલી ઝડપથી પ્રશ્નોની ઝડી વરસાવી મેં એટલી જ ધીરજથી જવાબ આપ્યો.
હલ્લો! પણ તું વારો આવવા દે તો બોલું ને? બોલ શું હતું?’
પૂરપાટ જતી ગાડીને બ્રેક વાગી, થોડી ધીમી પડી ને બોલી...

સારું બોલ કાલે શું કરે છે? કાલે દસ વાગે મિલાપ કાફેમાં મળીએ છીએ. ઓ.કે

મારા જવાબની રાહ જોયા વિના જ એણે ઓ.કે કરી દીધું. હું તો વિચારતો જ રહી ગયો. જેને મળવા માટે ઘણા ઉધામા કર્યા પણ નહોતી માની એણે અચાનક જ કેમ સામેથી મળવાનું કહ્યું. આઠેક મહિના થઈ ગયા હતા અમારે ફોન પર મળે. એકબીજાને રૂબરૂ જોયા પણ નથી. બસ મોબાઈલ પર જ એવી આત્મીયતા બંધાઈ ગઈ છે કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. કેવી હશે? જેટલી બોલકણી છે એટલી સુંદર પણ હશે? એકસાથે મનમાં ઉઠેલા વિચારોના વાવાઝોડાને અટકાવતા ફરી એ બોલવા લાગી.

એય ક્યાં ખોવાઈ ગયો?’

કંઈ નહીં. પણ આપણે એકબીજાને ઓળખીશું કેવી રીતે?’ મેં મારી મૂંઝવણ રજૂ કરી.
મારે જરૂર નથી તને ઓળખવાની. હું તને પહેલી નજરે જ ઓળખી જઈશ. છતા તારી સગવડ માટે હું તને ગમતા પિન્ક કલરનો ડ્રેસ પહેરીશ. તેણે ઓળખ પરેડની વિધિ સમજાવતા કહ્યું.

ઓ.કે. તો હું પણ તને ગમતા બલ્યુ કલરનું ટીશર્ટ પહેરીશ.

મારા મનનાં કેટલાય સવાલો અધુરા મુકીને એણે ફોન મુકી દીધો. ‘સારું બાય. મારે કાલની તૈયારી કરવાની છે. કાલે રૂબરૂ મળીને ખૂબ વાતો કરીએ.

નક્કી કરેલા સમયે હું મિલાપ કાફે પહોંચી ગયો. અંદર કપલ્સની સારી એવી ભીડ હતી. આખા કાફેમાં એક નજર ફેરવીને હું તેને શોધતો હતો ત્યાં જ એનો કોલ આવ્યો.
લેફ્ટ સાઈડના કોર્નરમાં આવી જા છેલ્લા ટેબલ પર.
હું સીધો જ એ ટેબલ પર પહોંચી ગયો. પણ આ શું? ઘડીક તો મગજ બહેર મારી ગયું. હું રોજ વાત કરતો હતો એ જ આ છોકરી છે! ના! ના! એ આ ના હોઈ શકે.મન હા ના ના ચક્કરમાં હતું ત્યાં જ એ આન્ટી બોલ્યા.
હા હું જ નિયતિ છું. સીટ ડાઉન.

માંડ માંડ ખુરશી પકડીને હું બેઠો.શું કરવું કે બોલવું એની સમજ નહોતી પડતી.લાગ્યું કે હું સારો એવું છેતરાઈ ચુક્યો છું, પણ ના ના વાંક એનો પણ ક્યાં હતો. મેં જ કંઈ પૂછ્યું નહોતું ને.
 
પાણીનો ગ્લાસ મારી સામે ધરતા એ ફરીથી બોલ્યા: જો તને એવું લાગતું હોય કે મેં તારી સાથે ચીટીંગ કર્યુ છે તો તું જઈ શકે છે. પરંતુ હકીકત એ છે કે મેં તારી ઉંમર કે દેખાવ કે બીજું કંઈ જોઈને લવ કર્યો નથી. તું મારી બકબકને જેટલી શાંતિથી સાંભળતો હતો બસ એજ મારી લાઈક હતી. એના આધારે જ આટલે સુધી પહોંચી છું.

પણ તમે તો મેરેજ પણ કરેલા હશે, આટલી ઉંમરે આવું કેમ વિચાર્યું? પાણીનો આખો ગ્લાસ પેટમાં ધરબી દીધા પછી માંડ આટલો અવાજ નીકળ્યો મારાથી.

હા, કર્યા હતા, પણ હવે એકલી જ છું. આઈ એમ ડિવોર્સી.
પણ કેમ?’
એ લાંબી કહાની છે, હાલ તું શું વિચારે છે એ બોલ?’

 અત્યાર સુધી તમે મારી સહનશક્તિ જોઈ છે, હવે નિર્ણયશક્તિ પણ જુઓ. મેં એકદમ સ્વસ્થ થઈને કહ્યું મેં તમને તમારી નિખાલસાને પ્રેમ કર્યો છે.તમારી બકબકમાં મેં દિલની ચોખ્ખાઈ જોઈ છે. જે મને બીજે ક્યાંક પણ હજુ સુધી દેખાઈ નથી. મેં.એ દિલની નિર્દોષતાને લવ કર્યો છે. ઉંમરને કે દેખાવને નહીં

પણ મારે લાઈફ જીવવી છે. યુ નો. મેરેજ લાઈફ. તુ તૈયાર છે?’

યસ. આઈ એમ રેડી.

એક વાર ફરીથી વિચાર કરી લે. તારા ઘરના અને દુનિયા શું કહેશે?

મેં લવ મારા દિલની સાંભળીને કર્યો છે. દુનિયાની સાંભળીને નહીં. જો તમે રેડી હોવ તો હું અત્યારે જ તૈયાર છું.

એકવાર ફરીથી શાંતિથી વિચારીને કહેજે. ઉતાવળો નિર્ણય કરવાની જરૂર નથી. તું મને ના પાડીશ તો પણ કંઈ ખોટું નહીં લાગે.

મારું દિલ કહે એ ફાઈનલ હોય છે અને ફાઈનલ છે. આટલું સાંભળીને એ ઊભા થયા. મારા માથે પ્રેમથી હાથ  ફેરવીને કહ્યુ. 

બેટા મારે જોવો જોઈતો હતો એવો જ જમાઈ મળ્યો. જો સામેના ખૂણે બેઠી છે તારી નિયતિ, અને હા આજે એના બદલે મેં તારી પસંદગીના કલરનો ડ્રેસ પહેર્યો છે. તારી એક્ઝામ લેવી હતી માટે.

હું હાંફળા ફાંફળા થઈને એમને પગે લાગ્યો. શું થયું એ સમજાય એ પહેલા જ સામેના ખૂણામાંથી એ ઊભી થઈને મારી પાસે આવી ગઈ. એને જોઈને શું બોલવું એ સૂઝતું નહોતું, આરસના પૂતળાં જેવી એને હું બસ જોતો જ રહી ગયો. રોજ ફોન પર બક બક કરતીએ તેની પ્રકૃતિથી વિરૂદ્ધ એકદમ ચૂપ થઈ ને ઊભી હતી. ...અને હું મારી મમ્મીએ કહેલા શબ્દો પર મનમાં હસતો હતો, ‘એકદમ તારા બાપ પર ગયો છે તું, કાળિયા તને છોકરી કોણ આપશે?’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો