આજની ઝાકમઝોળ ને ભપકાભરી દિવાળી ત્યારે નહોતી.
શરીર પર દેખાતી અછત ચહેરાના સંતોષ અને આનંદમાં છુપાઈ જતી હતી. નવાં નવાં કપડાં,
મીઠાઈ અને ખરીદી પ્રત્યે સહેજ અહોભાવ નહોતો. ભાવ હતો તો માત્ર માટીના જાતે બનાવેલા
મેરૈયા અને બુશર્ટના ખિસ્સામાં સમાય એટલા મુઠ્ઠીક લવીંગીયા-ટેટાં (આજની ભાષામાં
ફટાકડાં)નો! એટલે જ દિવાળીનું નામ પડતાં આજે પણ સૌથી
પહેલા કોઈ વસ્તુ મન પર અંકિત થતી હોય તો એ છે નાનપણમાં કરેલી મેરૈયાકૂચ.
મેરૈયાં તળાવની માટીમાંથી બને. ચંપાના ફૂલ
જેવો એનો આકાર હોય! જો કે બધા પોતાને મનગમતા આકારમાં મેરૈયા
બનાવે. એમાં ઈકડ (ખેતરમાં ઊગતી એક જાતની વનસ્પતિ)ની સોટી ખોસીને મશાલ જેવું જ
બનાવામાં આવે છે. ઘણા તેને અવનવી રીતે શણગારે પણ ખરાં. વાડમાં ઊગતી લાલ ચણોઠી મેરૈયા
પર લગાવતા તેની શોભા ઓર વધી જાય. સુકાયા પછી એમાં તેલ નાખીને કપડાંની દિવેટ પેટાવવામાં
આવે. કપડાંની દિવેટ એટલા માટે કે તે લાંબો
સમય ચાલે. આ રીતે તૈયાર થયેલા મેરૈયા લઈને દિવાળીની રાત્રે આખા ગામનાં છોકરાંઓ ઝાંપામાં
એકઠાં થાય, એ પહેલા ગામનાં બધાં મંદિરે એ મેરૈયાને
લઈ જઈને ત્યાં નમાવામાં આવે. પછી બધા છોકરાં ચોરામાં એકઠાં થાય. ખીસ્સામાં પોતપોતાની
જરૂરિયાતને શક્તિ મુજબનાં ટેટાં લાવ્યા હોય એ ફૂટીને પૂરાં થઈ જાય ત્યાં સુધી ચોરામાં
બાળમેળો જામેલો રહે. જો કે આમાં ઘણીવાર અટકચાળા પણ થાય. કોઈક તોફાની આપણા પર ટેટો
નાખે તો તેનાંથી બચવા માટેની ચપળતા રાખવી પડે. પછી બધા જ પ્રગટતા મેરૈયા ચોરામાં
મુકી દે. આ રીતે એકવાર એક છોકરો ખૂબ જ દાઝી ગયો હતો. દિવાળીનું આ દૃશ્ય લાખો
રૂપિયા ખર્ચવા છતા ન મળે એવું હોય છે.
મેરૈયાં બનાવવા માટે ગારો (કાળી ચીકણી માટી)
લેવા માટે દિવાળીનાં દિવસે સવારમાં જ તળાવમાં પહોંચી જતા. એક મેરૈયું બનાવવા માટે
તો થોડી જ માટી જોઈએ, પણ તોય બધા છોકરાં વારાફરતી આવતા જતા હોય એટલે ત્યાં જ લગભગ
બપોર ચડી જતો. નાના ભાઈ-બહેનો માટે પણ મારે ગારો લાવવો પડતો. માટીનાં રમકડાં
બનાવવામાં હું એક્સપર્ટ હતો. એટલે વાડામાં બધા છોકરાંનાં મેરૈયાં મારે જ બનાવવા
પડતા હતા. જો કે આ બધું કામ બાળટીમના સાથ-સહકારથી જ થતું. બધા છોકરાં મેરૈયા બનતા
હોય ત્યારે આસપાસ ટોળે વિંટળાયેલા હોય અને જો બનાવનારને કોઈ વસ્તુની જરૂર પડેને
અવાજ કરે ત્યાં તો એક કરતા ત્રણ જણા એ લેવા દોડતાં થાય. એવું ટીમવર્ક હતુ એ વખતે બાળ
મેરૈયા ટીમનું.
આ પરંપરાનું શું ધાર્મિક કે સામાજિક મહત્વ
હશે એ તો હજુ પણ મને નથી સમજાયું. પરંતુ એટલું ચોક્કસ સમજાયું છે કે દિવાળીના
દિવસે આ મેરૈયા કાઢ્યા બાદ ઘરમાં કે ગામમાં લોકો કે ઢોર માંદા પડ્યાનાં કિસ્સા બહુ
ઓછા થઈ જાય. આમાં કયું પરિબળ કામ કરતું હશે એ તો ખબર નથી પરંતુ એક વાત સમજાય છે કે
મેરૈયા કાઢતા પહેલા ઘરમાં ચારે ખૂણે ફરીને બાપા એક મંત્ર બોલાવતા... ‘તાવ-તડિયો રોગ-રડિયો, જજો ખારાં સમંદરમાં’.
મેરૈયામાં પ્રગટાવેલ દીપજ્યોત આખા ઘર ઉપરાંત કોઢમાં બાંધેલાં ઢોર પર પણ ફેરવવામાં
આવતી અને તેમની નજર ના પડે ત્યાં સુધી ત્યાંથી હટાવાતી નહીં.
વ્યવસાયીક જીવનમાં પડ્યાં પછી તો લગભગ છેલ્લા બે-ચાર વર્ષથી મેરૈયાકૂચ જોઈ શક્યો નથી. કોલેજ કાળ સુધી હું આ કૂચમાં જતો હતો. તે પછી ઘણીવાર ભત્રીજાઓ માટે મેરૈયા બનાવવાનો અને તેમને લઈને મેરૈયાકૂચમાં જવાનો મોકો મળ્યો હતો પરંતુ હવે તો એ સ્વપ્ન જેવું બની ગયું છે. જો કે આજે એ મીઠાં સંભારણાની યાદો સાથે આપને આધુનિક પદ્ધતિ પ્રમાણે ‘Happy Diwali’ અને અમારી દેશી પદ્ધતિ મુજબ ‘ઝાંયણીના રામ રામ અને જે શ્રી કૃષ્ણ’
- ઝાંયણી એટલે દિવાળી
વ્યવસાયીક જીવનમાં પડ્યાં પછી તો લગભગ છેલ્લા બે-ચાર વર્ષથી મેરૈયાકૂચ જોઈ શક્યો નથી. કોલેજ કાળ સુધી હું આ કૂચમાં જતો હતો. તે પછી ઘણીવાર ભત્રીજાઓ માટે મેરૈયા બનાવવાનો અને તેમને લઈને મેરૈયાકૂચમાં જવાનો મોકો મળ્યો હતો પરંતુ હવે તો એ સ્વપ્ન જેવું બની ગયું છે. જો કે આજે એ મીઠાં સંભારણાની યાદો સાથે આપને આધુનિક પદ્ધતિ પ્રમાણે ‘Happy Diwali’ અને અમારી દેશી પદ્ધતિ મુજબ ‘ઝાંયણીના રામ રામ અને જે શ્રી કૃષ્ણ’
- ઝાંયણી એટલે દિવાળી
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખોદોસ્ત,
જવાબ આપોકાઢી નાખોઅદભૂત, અતુલ્ય, અવિસ્મરણીય
આવી દિવાળીય હોય!!! મેરૈયા વિશે પ્રથમ વખત જ વાંચ્યું, અનુભવ્યુ, પન્નાલાલ પટેલની વાર્તાઓમાં સર્જાતા ગ્રામીણ પરિદ્રશ્યની કલ્પનાઓ અને એ સંસાર યાદ આવી જાય એવી બ્લોગ પોસ્ટ...બે ઘડી એવું થઈ ગયું કે કાશ હું પણ ગામડાગામનું ફરજંદ હોત!!!
ગામડાનાં ભાતીગળ આત્માનાં આવા જ અંશો મળતા જ રહેશે એવી અભિલાષા સાથે... અભિનંદન... આભાર