નવોદય વિદ્યાલયમાં
નોન-બોર્ડમી પરીક્ષાઓ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જાય છે.
ત્યાર બાદ એપ્રિલથી નવા વર્ષનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જાય છે. નોન બોર્ડના વર્ગના
પરિણામો માર્ચના છેલ્લા દિવસે એસેમ્બલીમાં (પ્રાર્થનાસભા-જેમાં રાષ્ટ્રગાન થી શરૂ
થાય છે અને અંત રાષ્ટ્રગીતથી થાય છે. જેમાં પ્રતિજ્ઞાપત્ર, સુવિચાર, સમાચારવાંચન,
પ્રશ્નોતરી કાર્યક્રમ અને સમૂહગાન થાય છે.) દરેક વર્ગના ટોપ-થ્રી વિદ્યાર્થીઓના
પરિણામ જાહેર થાય છે.
નવોદય વિદ્યાલય,
સૂરતગઢ, જિ-ગંગાનગર-(રાજસ્થાન) એ પરંપરા આજે દસેક દિવસ મોડી નિભાવી રહી હતી. વાઈસ
પ્રિન્સીપાલ દરેક વિદ્યાર્થીઓના નામ જાહેર કરતા હતા અને આચાર્ય ગીતા મિશ્રા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે આશીર્વાદ અને
નાનકડી ભેટ આપી રહ્યા હતા. અગાઉના ધોરણના પરિણામો જાહેર થઈ ગયા બાદ હવે 7(બી)નો
ક્રમ હતો. ત્રીજા અને બીજા ક્રમાંકના વિદ્યાર્થીઓને ઈનામ અને આશીર્વાદ અપાઈ ગયા
બાદ પૂરી એસેમ્બલીમાં અજંપાભરી ગમગીની છવાઈ ગઈ. થોડી ક્ષણો બાદ આખરે વિદ્યાર્થીઓ
અને શિક્ષકોને ચોક્કસ ખાત્રી હતી એ નામ જાહેર થયું. પ્રથમ ક્રમાંકે રાહુલ પુનિયા.
નામ સાંભળતા જ ઘણાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખમાં આંસુ આવી ગયા. વિદ્યાર્થીઓની
તાળીઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું, પણ એ ઈનામનો હક્કદાર ના ઉઠ્યો.
(મૃતક વિદ્યાર્થી - રાહુલ પુનિયા)
રાહુલ પુનિયા માત્ર
7(બી)નો જ નહીં પણ આખી સ્કૂલનો હોંશિયાર અને શાંત વિદ્યાર્થી હતો. હોંશિયાર કરતા પણ તેની સિન્સિયારીટીના કારણે શિક્ષકોમાં
પ્રિય હતો. શિક્ષક વર્ગમાં હોય કે ના હોય
એ હંમેશા શાંત બેસી રહેતો અને કંઈક વાંચ્યા કરતો. બે વર્ષમાં તેની કોઈ
ફરિયાદ આવી નથી. પરંતુ તારીખ 05 એપ્રિલ, 2019ના રોજ તેની આખરી ફરિયાદ મળી. તેને
તરતા ન આવડતું હોવા છતા તે તેની મોટા પાંચ વર્ષના ભાઈને પાણીમાંથી ડૂબતા બચાવવા
પાણીમાં કૂદી પડ્યો.
વાર્ષિક પરિક્ષાઓ પૂર્ણ થયા બાદ રાહુલ
સ્કૂલમાંથી બધા બાળકોની જેમ ઘરે ગયો હતો. ઘરે ગયા બાદ તેના મોટાભાઈ વિશાલ સાથે
ખેતરમાં સિંચાઈ માટે બનાવેલી પાકી ખેતતલાવડીમાં ડૂબી ગયો. વિશાલ પણ ભણવામાં ખૂબ જ
હોંશિયાર હતો અને તેણે ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા આપી હતી. બંને ભાઈઓ ખેતરમાં નવી બનાવેલી ખેતતલાવડીમાં પાણી છાંટવા
માટે ગયા હતા. જ્યાં વિશાલનો પગ લસપી પડતાં તે પાણીથી ભરેલી ખેતતલાવડીમાં ડૂબવા
લાગ્યો. એને ડૂબતો જોઈને ખુદને તરતા ન આવડતું હોવા છતા રાહુલ પણ કૂદી પડ્યો અને
બંને ભાઈઓ પાણીમાં ડૂબી ગયાં.
રાહુલના કાકાએ શોકમય
સ્વરે જણાવ્યું કે “રાહુલ
ગયા વર્ષે મને તેનું પરિણામ બતાવ્યું જેમાં તે સેકન્ડ આવ્યો હતો. મેં તેને કીધું
હતું કે તું પરિણામ મને ત્યારે જ બતાવજે જ્યારે તું ક્લાસમાં ફર્સ્ટ આવ.” અમે જણાવ્યું કે
રાહુલ ક્લાસમાં ફર્સ્ટ જ આવ્યો છે, ત્યારે ખૂણામાં બેઠેલા તેનાં પિતાની રડી-રડીને સુકાઈ
ગયેલી આંખોમાં ફરીથી આંસુનો દરિયો ઉમટી પડ્યો.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો