શુક્રવાર, 23 નવેમ્બર, 2018

ગુરૂ નાનક જયંતિ 


          આજે ગુરૂ નાનક જયંતિ નિમિત્તે રાજસ્થાનના સુરતગઢમાં એક ગુરૂદ્વારામાં જઈને પ્રાર્થના કરી. જવાહર નવોદય વિદ્યાલય  સુરતગઢમાં બાળકોને પણ સર્વધર્મ સમભાવની ભાવના કેળવાય એ માટે ગુરૂવાણીનો ક્રાર્યક્મ યોજવામાં આવ્યો હતો. 

મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2015

‘મિલાપ કાફેનો લેફ્ટ કોર્નર’


પ્રોજેક્ટ પૂરો કરીને મોબાઈલ જોયો તો 10 મિસ્ડકોલ અને એક મેસેજ હતો.

કોલ મી. અરજન્ટ

મેં કોલબેક કર્યો, સામેથી અલ્પવિરામ, પૂર્ણવિરામ વિનાના કેટલાય પ્રશ્નોનું એક સમાટું ઝાપટું એના મધુર પણ ગુસ્સાયેલાં અવાજમાં વરસી પડ્યું.

 ક્યાં છે?’

શું કરે છે? ‘

ખબર નથી પડતી?’

કેટલા ફોન કર્યા? ’

હવે કંઈ બોલીશ કે મોં માં મગ ભર્યા છે?’

એણે જેટલી ઝડપથી પ્રશ્નોની ઝડી વરસાવી મેં એટલી જ ધીરજથી જવાબ આપ્યો.
હલ્લો! પણ તું વારો આવવા દે તો બોલું ને? બોલ શું હતું?’
પૂરપાટ જતી ગાડીને બ્રેક વાગી, થોડી ધીમી પડી ને બોલી...

સારું બોલ કાલે શું કરે છે? કાલે દસ વાગે મિલાપ કાફેમાં મળીએ છીએ. ઓ.કે

મારા જવાબની રાહ જોયા વિના જ એણે ઓ.કે કરી દીધું. હું તો વિચારતો જ રહી ગયો. જેને મળવા માટે ઘણા ઉધામા કર્યા પણ નહોતી માની એણે અચાનક જ કેમ સામેથી મળવાનું કહ્યું. આઠેક મહિના થઈ ગયા હતા અમારે ફોન પર મળે. એકબીજાને રૂબરૂ જોયા પણ નથી. બસ મોબાઈલ પર જ એવી આત્મીયતા બંધાઈ ગઈ છે કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. કેવી હશે? જેટલી બોલકણી છે એટલી સુંદર પણ હશે? એકસાથે મનમાં ઉઠેલા વિચારોના વાવાઝોડાને અટકાવતા ફરી એ બોલવા લાગી.

એય ક્યાં ખોવાઈ ગયો?’

કંઈ નહીં. પણ આપણે એકબીજાને ઓળખીશું કેવી રીતે?’ મેં મારી મૂંઝવણ રજૂ કરી.
મારે જરૂર નથી તને ઓળખવાની. હું તને પહેલી નજરે જ ઓળખી જઈશ. છતા તારી સગવડ માટે હું તને ગમતા પિન્ક કલરનો ડ્રેસ પહેરીશ. તેણે ઓળખ પરેડની વિધિ સમજાવતા કહ્યું.

ઓ.કે. તો હું પણ તને ગમતા બલ્યુ કલરનું ટીશર્ટ પહેરીશ.

મારા મનનાં કેટલાય સવાલો અધુરા મુકીને એણે ફોન મુકી દીધો. ‘સારું બાય. મારે કાલની તૈયારી કરવાની છે. કાલે રૂબરૂ મળીને ખૂબ વાતો કરીએ.

શનિવાર, 2 નવેમ્બર, 2013

મન, મેરૈયાં ને ઝાંયણીની ‘Happy Diwali ....!’



આજની ઝાકમઝોળ ને ભપકાભરી દિવાળી ત્યારે નહોતી. શરીર પર દેખાતી અછત ચહેરાના સંતોષ અને આનંદમાં છુપાઈ જતી હતી. નવાં નવાં કપડાં, મીઠાઈ અને ખરીદી પ્રત્યે સહેજ અહોભાવ નહોતો. ભાવ હતો તો માત્ર માટીના જાતે બનાવેલા મેરૈયા અને બુશર્ટના ખિસ્સામાં સમાય એટલા મુઠ્ઠીક લવીંગીયા-ટેટાં (આજની ભાષામાં ફટાકડાં)નો! એટલે જ દિવાળીનું નામ પડતાં આજે પણ સૌથી પહેલા કોઈ વસ્તુ મન પર અંકિત થતી હોય તો એ છે નાનપણમાં કરેલી મેરૈયાકૂચ.


 મેરૈયાં તળાવની માટીમાંથી બને. ચંપાના ફૂલ જેવો એનો આકાર હોય! જો કે બધા પોતાને મનગમતા આકારમાં મેરૈયા બનાવે. એમાં ઈકડ (ખેતરમાં ઊગતી એક જાતની વનસ્પતિ)ની સોટી ખોસીને મશાલ જેવું જ બનાવામાં આવે છે. ઘણા તેને અવનવી રીતે શણગારે પણ ખરાં. વાડમાં ઊગતી લાલ ચણોઠી મેરૈયા પર લગાવતા તેની શોભા ઓર વધી જાય. સુકાયા પછી એમાં તેલ નાખીને કપડાંની દિવેટ પેટાવવામાં આવે. કપડાંની દિવેટ  એટલા માટે કે તે લાંબો સમય ચાલે. આ રીતે તૈયાર થયેલા મેરૈયા લઈને દિવાળીની રાત્રે આખા ગામનાં છોકરાંઓ ઝાંપામાં એકઠાં થાય, એ પહેલા ગામનાં બધાં મંદિરે એ મેરૈયાને લઈ જઈને ત્યાં નમાવામાં આવે. પછી બધા છોકરાં ચોરામાં એકઠાં થાય. ખીસ્સામાં પોતપોતાની જરૂરિયાતને શક્તિ મુજબનાં ટેટાં લાવ્યા હોય એ ફૂટીને પૂરાં થઈ જાય ત્યાં સુધી ચોરામાં બાળમેળો જામેલો રહે. જો કે આમાં ઘણીવાર અટકચાળા પણ થાય. કોઈક તોફાની આપણા પર ટેટો નાખે તો તેનાંથી બચવા માટેની ચપળતા રાખવી પડે. પછી બધા જ પ્રગટતા મેરૈયા ચોરામાં મુકી દે. આ રીતે એકવાર એક છોકરો ખૂબ જ દાઝી ગયો હતો. દિવાળીનું આ દૃશ્ય લાખો રૂપિયા ખર્ચવા છતા ન મળે એવું હોય છે.


મેરૈયાં બનાવવા માટે ગારો (કાળી ચીકણી માટી) લેવા માટે દિવાળીનાં દિવસે સવારમાં જ તળાવમાં પહોંચી જતા. એક મેરૈયું બનાવવા માટે તો થોડી જ માટી જોઈએ, પણ તોય બધા છોકરાં વારાફરતી આવતા જતા હોય એટલે ત્યાં જ લગભગ બપોર ચડી જતો. નાના ભાઈ-બહેનો માટે પણ મારે ગારો લાવવો પડતો. માટીનાં રમકડાં બનાવવામાં હું એક્સપર્ટ હતો. એટલે વાડામાં બધા છોકરાંનાં મેરૈયાં મારે જ બનાવવા પડતા હતા. જો કે આ બધું કામ બાળટીમના સાથ-સહકારથી જ થતું. બધા છોકરાં મેરૈયા બનતા હોય ત્યારે આસપાસ ટોળે વિંટળાયેલા હોય અને જો બનાવનારને કોઈ વસ્તુની જરૂર પડેને અવાજ કરે ત્યાં તો એક કરતા ત્રણ જણા એ લેવા દોડતાં થાય. એવું ટીમવર્ક હતુ એ વખતે બાળ મેરૈયા ટીમનું.
આ પરંપરાનું શું ધાર્મિક કે સામાજિક મહત્વ હશે એ તો હજુ પણ મને નથી સમજાયું. પરંતુ એટલું ચોક્કસ સમજાયું છે કે દિવાળીના દિવસે આ મેરૈયા કાઢ્યા બાદ ઘરમાં કે ગામમાં લોકો કે ઢોર માંદા પડ્યાનાં કિસ્સા બહુ ઓછા થઈ જાય. આમાં કયું પરિબળ કામ કરતું હશે એ તો ખબર નથી પરંતુ એક વાત સમજાય છે કે મેરૈયા કાઢતા પહેલા ઘરમાં ચારે ખૂણે ફરીને બાપા એક મંત્ર બોલાવતા... તાવ-તડિયો રોગ-રડિયો, જજો ખારાં સમંદરમાં. મેરૈયામાં પ્રગટાવેલ દીપજ્યોત આખા ઘર ઉપરાંત કોઢમાં બાંધેલાં ઢોર પર પણ ફેરવવામાં આવતી અને તેમની નજર ના પડે ત્યાં સુધી ત્યાંથી હટાવાતી નહીં.

 વ્યવસાયીક જીવનમાં પડ્યાં પછી તો લગભગ છેલ્લા બે-ચાર વર્ષથી મેરૈયાકૂચ જોઈ શક્યો નથી. કોલેજ કાળ સુધી હું આ કૂચમાં જતો હતો. તે પછી ઘણીવાર ભત્રીજાઓ માટે મેરૈયા બનાવવાનો અને તેમને લઈને મેરૈયાકૂચમાં જવાનો મોકો મળ્યો હતો પરંતુ હવે તો એ સ્વપ્ન જેવું બની ગયું છે. જો કે આજે એ મીઠાં સંભારણાની યાદો સાથે આપને આધુનિક પદ્ધતિ પ્રમાણે ‘Happy Diwali’ અને અમારી દેશી  પદ્ધતિ મુજબ ઝાંયણીના રામ રામ અને જે શ્રી કૃષ્ણ
- ઝાંયણી એટલે દિવાળી

શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013

હિન્દુ ધર્મને ભાંડનારા અકબરૂદ્દીન ઔવેસીના રખોપા કરશે ‘રામ’



આંધ્રપ્રદેશના એમએએમના ધારાસભ્ય  અકબરૂદ્દીને એકવાર ધાર્મિક ઝેર ઓક્યા પછી ગણી સંતાકુકડી રમી લીધી પરંતુ આખરે પોલીસ સમક્ષ સમપર્ણ કરવું પડ્યું. ઔવેસી વિરૂદ્ધ પોલીસે ભડકાઉ ભાષણ આપવા ઉપરાંત હવે દેશદ્રોહનો આરોપ પણ લગાવ્યો છે. દેશમાંથી ઔવેશીનો ઘણો વિરોધ થયો. વિરોધ એટલા માટે નહીં કે તેણે હિન્દુ વિરૂદ્ધ ઝેર ઓક્યું છે, પરંતુ એટલા માટે પણ ખરો કે દેશમાં બે ધાર્મિક કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવા માટે. કોર્ટે પણ આ બાબતની ગંભીરતા જોઈને ઔવેસીની જામીન અરજી ફગાવી દીધી છે. ત્યારે ઔવેશીને બચાવવા માટે બે રામ મેદાને પડ્યા છે.
આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બે વરિષ્ઠ વકીલ ડીવી સીતીરામ મૂર્તિ અને રામચંદ્ર રાવ અકબરૂદ્દીન તરફથી કેસ લડશે.
આ અંગે જજે સરસ કોમેન્ટ કરી છે.તમે (ઔવેસી) રામને પણ નથી બક્ષ્યા અને આજ બે-બે રામ તમને બચાવવા આવ્યા છે.
જસ્ટિસ રેડ્ડીએ આગળ જણાવ્યું કે તમે જે દેશને પડકાર્યો છે એજ દેશે તમારા ભાઈ,પિલલતા અને તમને સાંસદ બનાવ્યા છે.


મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

નવા વર્ષના નવા સંકલ્પો

નવા વર્ષના હાર્દિક અભિનંદન.....
આ સાથે નવા વર્ષના કેટલાક સંકલ્પો જે તમે લેવા વિચાર્યુ હશે કે નહી તેની ખબર નથી પણ આ વાંચ્યા પછી ચોક્કસ વિચારશો એવી ખાતરી છે.

1. નવા વર્ષમાં હું કોઈને મારાથી અજાણતા પણ દુખ ન પહોંચે તેની ખાસ કાળજી રાખીશ.
2. મારા વ્યસનોમાંથી એક તો હું ગમે તે કરીને છોડીશ.
3 મારા દેશને નીચાજોણું થાય તેવું કોઈ કાર્ય કરીશ નહીં કે આવા કાર્યમાં સહકાર પણ આપીશ નહીં.


બસ આ વર્ષે આટલા સંકલ્પો સિદ્ધ થાય તો પણ નવું વર્ષ આનંદમય રહેશે....બાકી સપરમે દહાડે લીધેલા સંકલ્પો તો ત્રણ દિવસ માંડ ચાલતા હોય છે. આ સંકલ્પોમાં આવું ન થાય એવો એક સંકલ્પ ખાસ લઈએ....